Thursday, December 18, 2008

કહો, તમે જુવાન છો ?

તો પછી હાથ પર હાથ ચડાવી બેઠા કેમ છો ?
શું કાંઈ કામ મળતું નથી ? અરે, કામની ક્યાં કમી છે ?
પાંચ માઈલ દોડી નાખો જોઈએ !
કોદાળી ઉઠાવો ને ધરતી ખોદી નાખો.
કુહાડી ઉઠાવો ને સાંજ સુધીમાં
પાંચ મણ લાકડાં કાપી લાવો !
એ ન કરી શકો તો ઘેર ઘેર ફરીને બીમારોને જુઓ,
જેનું કોઈ ન હોય તેને કાંઈક ઉપયોગી થાવ.

તમારી ઉંમર કેટલી ? સોળ વરસ ?
સોળ વરસનો નવજુવાન બાપકમાઈ પર જીવે ?
છોડો એ સહારો, ને લાગી જાવ કામે !
દિવસ આખો મંડ્યા રહો.
સાંજ પડશે ત્યારે સમજાશે કે એમાં કેવી મોજ છે !

બાળપણનાં સ્વપ્નાં યાદ આવે છે ?
તે વેળા શા શા ઉમંગો આવતા હતા ?
પહાડો ચડવાના ? જંગલો ઘૂમવાના ?
તો ત્યારે કેમ નીકળી પડ્યા નહીં ?

માબાપનો ડર હતો ત્યારે ? પણ આજે કોનો ડર છે ?
ભાઈબહેનોનો ? સગાંસ્નેહીઓનો ?
એવા ડર તો કમબખ્ત મરતાં લગી પજવવાના.
ભાઈબહેન પછી પત્નીનો, પછી બાળબચ્ચાંનો,
ને એમ કરતાં કરતાં કોણ જાણે કેટલાંયનો.

ફેંકી દો એ ડરને !
જેને તરવું છે એને તો ડર છોડીને
એક વાર ઝંપલાવવું જ પડે છે.

બચપણમાં તમારું અંતર જે જે સ્વપ્નાં ઘડતું હતું,
તે સાચાં પાડવા હવે કટિબદ્ધ થઈ જાવ !

-ભગવાનદીન

No comments:

Post a Comment