Monday, January 25, 2010

પડશે એવા દેવાશે

‘પડશે એવા દેવાશે’ ,
ચિંતાકોર્યું મન
પછીથી એક ઝાટકે ટેવાશે.

પ્હાડ ઢળે તો પ્હાડ,
ને વીજ પડે તો વીજ,
એવું પણ થઇ શકે
કે નભમાં ઊગે આછી બીજ;
પૂનમ હશે કે અમાસ હશે,
પણ તેજતિમિર કૈ રેલાશે,
‘પડશે એવા દેવાશે’

થઇ થઇને શું થાય,
બીકને નજીક નહીં હું રાખું,
જે ફળ ટપક્યું નથી
એના સ્વાદને શાને ચાખું
કાંટા ફૂલને ભલે ચીરે
પણ ફોરમ હશે તો ફેલાશે,
‘પડશે એવા દેવાશે’

– સુરેશ દલાલ

No comments:

Post a Comment